Labels

Saturday, June 27, 2015

શિક્ષણમાં પ્રયોગો.

ભારતીય શિક્ષણ સંસ્થાઓ ગુરુકુલના રૂપમાં જુદા જુદા ઋષિઓને ત્યાં ચાલતી અને સમર્થ શિક્ષકો સમાજમાં ગુરુ તરીકેનું સ્થાન પામાતા. શિક્ષક સમાજનું ઘડતર કરતો. સાથે રાજ્ય વ્યવસ્થાથી પર રહીને પણ રાજ્ય વ્યવસ્થાને જરૂર હોય ત્યારે સલાહ સૂચન આપતો. કાળક્રમે ગુરુકુલ વિશ્વવિદ્યાલયોમાં ફેરવાયાં. નાલંદા વિશ્વવિદ્યાલય તેનુ અપ્રતિમ ઉદાહરણ છે. એક વિદ્યાપીઠમાં અનેક શિક્ષકો વિદ્યાર્થીઓનું અને તે દ્વારા પરોક્ષ રીતે સમાજનું ઘડતર કરતા. કાળક્રમે વિદ્યાપીઠો દ્વારા શિક્ષણની પદ્ધતિ અન્ય દેશોમાં પાંગરી.
આધુનિક સમયમાં શિક્ષણ ઉપર નવતર પ્રયોગો સતત ચાલતા રહ્યા છે; ક્યારેક વાર્ષિક તો ક્યારેક દ્વિ-સત્ર પદ્ધતિ. પરંતુ વર્ગખંડોમાં શિક્ષણ આપવાની રીતમાં જવલ્લે જ કોઇક નાનો ફેરફાર થતો હશે! છેલ્લા પાંચ દાયકાથી પાટિયા ઉપર લખતો શિક્ષક અને તેમાંથી શબ્દતઃ નોંધપોથીમાં ટપકાવતો વિદ્યાર્થી આપણી શિક્ષણ પદ્ધતિની સ્થિર (static) પ્રણાલિકાનો ભાગ છે. કદાચ વિજ્ઞાનમાં પાટિયાનું સ્થાન કમ્પ્યુટરે લીધું હોય તેમ બને પણ વિદ્યાર્થીનો મૂળભૂત આધાર તો તેની નોંધપોથી જ રહ્યો છે. હવે તો શિક્ષકોના નામથી બનાવેલી નોંધપોથીઓ બજારમાં નકલ કેન્દ્રો પર તૈયાર વેચાય છે. પરીણામે વર્ષોવર્ષ નોંધપોથીમાં થતા નાના નાના ફેરફારો પણ અદ્રશ્ય થઇ ગયા છે! આ તમામના કારણે શિક્ષણ પ્રક્રિયાના કેન્દ્રમાં જ્ઞાનના બદલે માહિતી, અને તે પણ સ્થિર (static) માહિતી આપોઆપ ગોઠવાઇ ગઇ છે. આ માહિતીનુ પોટલું પરીક્ષા સુધી વેંઢારતો વિદ્યાર્થી પરીક્ષાના દિવસે હાશ! કહી હરખાય તેમાં સમાજને કે શિક્ષકને ખોટું લગાડવાનો રીવાજ આપણે ઊભો કરવો રહ્યો. શિક્ષણના કારખાનાંમાં તૈયાર થતો વિદ્યાર્થી જ્ઞાનના ફલક પર કોરો કટ રહી બહાર નીકળે તે આપણને પરવડે તેમ નથી.
બીજી તરફ સામાજીક અર્થવ્યવસ્થામાં થયેલાં આમૂલ ઢાંચાકીય પરિવર્તનોનાં કારણે બજાર ગ્રાહકલક્ષી બન્યું છે. ગ્રાહકને આકર્ષવા ઉત્પાદનની વિવિધતા અને નિત નવી સુવિધાઓ ઊભી કરવાનુ ઉત્પાદકો માટે અનિવાર્ય બન્યું છે. આ સંજોગોમાં ઉદ્યોગોમાં કામ કરતો કર્મચારી નવું જ્ઞાન પ્રાપ્ત કરી પ્રયોગશીલ ન બને તો ખાનગી ઉદ્યોગો તેને ફરજ મુક્ત કરતા જરાપણ અચકાતા નથી. છેલ્લા બે થી ત્રણ વર્ષમાં ટાટા કન્સલ્ટન્સી જેવી અગ્રણી કંપનીઓએ એક સાથે હજારોની સંખ્યામાં પોતાના તકનીકી કર્મચારીઓને તેમની બિનઆવડતનું કારણ આપીને ઘર ભેગા કરી દીધા છે. એકલ દોકલ કર્મચારીઓને છુટા કરવાની વાતો તો રોજ બરોજની ઘટના છે. અખબારોના કહેવા મુજબ ભારતીય ઉદ્યોગ જગતમાં માનવ સંસાધનની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે, વળી સરકારના make in Indiaના અભિયાન સાથે આ માંગ હજુ પણ વધવાની છે. પરંતુ બીજી તરફ આવડતના અભાવે છુટા થતા કર્મચારીઓની સંખ્યા પણ વધતી જાય છે. આ પરિસ્થિતિ જોતાં આપણી શિક્ષણ પદ્ધતિ નોંધપોથીમાંથી બહાર નીકળે તે અનિવાર્ય છે. શિક્ષણની બીજી એક ખાસિયત એ હોવી જોઇએ કે તે વિદ્યાર્થીને શીખતાં શીખવે. આજના વિદ્યાર્થી તેના 15 થી 17 વર્ષનાં અભ્યાસ ગાળા દરમ્યાન ક્યાંય પણ શીખવાનું શીખતો નથી. તેને જાતે શીખવા માટે તૈયાર કરવામાં આવતો નથી. બદલાતા જતા સમાજની સાથે તેના રૂઢિ-રિવાજો અને રહન-સહન બદલાય છે. પણ વિદ્યાર્થીના ઘડતરની પ્રક્રિયા એની એજ રહે છે.

આ તમામ વાસ્તવિકતાઓ સાથે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ આ જ પ્રણાલિકામાંથી પસાર થવા છતાં ઝળહળી ઉઠે છે. તેઓ પ્રયોગશીલ પણ હોય છે સ્વાવલંબી પણ હોય છે અને નવું શીખવાની વૃત્તિ તથા કાબેલિયત ધરાવતા હોય છે. આ પૈકીના ઘણા બધા વિદ્યાર્થીઓ અગમ્ય કારણસર (?) વિદેશ તરફ આકર્ષાઇને દેશ છોડીને જતા રહે છે પરીણામે દેશ બૌદ્ધિક નાણાંથી વંચિત થાય છે. આ સંજોગોમાં જો કોઇક આશા રાખી શકાય તો દેશમાં જ પોતાની જાતને સ્થાપિત કરનાર વૈચારિક રીતે પરીપક્વ બુદ્ધિધનો ઉપર નજર ઠરે! આ વિદ્યાચતુરોએ દેશનું ભવિષ્ય ઘડવાની પ્રક્રિયા જ્યાં થઇ રહી હોય તેવા વર્ગખંડોમાં પોતાનુ કૌશલ્ય બતાવવું જરુરી જ નહીં પણ અનિવાર્ય છે. આવા વર્ગખંડોમાં કદાચ લક્ષ્મીધન ઓછું હોય તો પણ માનધન અને સંતોષના રોટલાની ખોટ નથી.