Labels

Sunday, December 18, 2005

પ્રશ્નો

અહીં વિચારોમાં વમળ પેદા કરે તેવા થોડાંક પ્રશ્નો અને વિધાનો રજુ કરવાની ઇચ્છા છે. આ વિચારો મારા મૌલિક હોવાનો કોઇ દાવો નથી. ખાસ તો આમાં ગુણવંત શાહ જેવા પ્રખર વિચારકોની છાપ જોવા મળશે પણ ક્યાંક ક્યાંક મારા પોતાના હથોડા પણ સહન કરવાની તૈયારી વાચકોએ રાખવી પડશે.
  1. હાશ અને હળવાશ છીનવી લે તેવી બધી વસ્તુઓ ખાસી મોંઘી હોય છે.
  2. મિષ્ટાન્ન દબાવીને ખાધા પછી પસ્તાવો કરનારા માણસોને તમે મળ્યા છો? (તમારે ક્યારેય તેમને દર્પણમાં ન જોવા પડે તેવી શુભેચ્છા.)
  3. શું પૈસાની શોધ માણસની તાણ વધારવા થઇ છે?
  4. શું યંત્રની શોધ માણસને રઘવાયો બનાવવા માટે થઇ છે?
  5. શું ધર્મની શોધ માણસ અંધશ્રધ્ધામાં ડુબકાં ખાય તે માટે થઇ છે?
  6. વેશ્યાગૃહોની પથારીમાં રૂની ગોદડીની જગ્યાએ ડનલોપની ગાદી આવી જાય તે પ્રગતિનો માપદંડ ગણાય ખરો?
  7. દરેક વ્યક્તિને પીવાનું પાણી મળે તેને વિકાસ કહેવાના બદલે માટલાની જગ્યા ફ્રીઝ લે તેને આપણે વિકાસ કહીએ છીએ.
  8. નવા જમાનામાં શિક્ષણમાં સંસ્કારનું સ્થાન અફવાથી ઊંચું નથી.
  9. તમે ક્યારેય ગુજરાતી સાથે M.A. કરવાવાળાને નરસિંહ મહેતાની નવલકથાઓનાં નામ પુછવાનો પ્રયોગ ક્યારેય કર્યો છે?
  10. વર્ગખંડોમાં જે ભાવિ ઘડાય છે, તે જોઇને લાગે છે કે શિક્ષણ સંસ્થાઓ એવા ભૂતને મારવાની કળા શીખવે છે જે મરી ચુક્યું છે. ભુતકાળના ભુત મારવા માટે ભાવિનું ઘડતર મુર્ખામી છે એવું જ્યારે શિક્ષણવિદોને લાગશે ત્યારે દેશની ઉત્કાંતિનુ પહેલું પગથિયું મળશે.
  11. પગભર ગામડું જ્યારે global villageની સામે હારી જાય ત્યારે મૂડીવાદનો રાક્ષસ જીતી ગયો તે નક્કી માનવું.
  12. ખાલી અણુશસ્ત્રોનો ઉપયોગ જ વિવેક બુદ્ધિથી ન કરીએ તો સ્વનાશ થાય. ઘણા મહાનપુરુષોએ આપેલા સિદ્ધાંતો અણુબોંબથી પણ વધુ વિવેક બુદ્ધિ માંગી લે તેવાં છે. આમાં શું આવે ? () ગાંધીજીએ ભારતને આપેલી ભયાનક ભેટ એટલે અનશન.