Labels

Monday, August 30, 2021

30 ઓગસ્ટ ૨૦૨૧

 સામાજિક માનસ અને સમાજનું ઘડતર 

બહુ તોફાન કરીશ તો સ્કૂલે મૂકી દઈશ. સ્કૂલે જઈશ એટલે ખબર પડશે.  આવા શબ્દો તમે સાંભળ્યા છે? આ શબ્દોનો ભારતના સામાજિક અને કૌટુંબિક જીવનમાં અનિવાર્ય પણે સાંભળવા મળે. પણ તે કેટલું નુકશાન પહોચાડી શકે તેનો કદી કોઈને ખ્યાલ આવ્યો છે? જો આ વાત વિચારીને યોગ્ય અભિગમ કેળવવામાં આવે તો બાળકોનું શિક્ષણ ઘણી હદ સુધી સરળ બની જાય.

આજે મારે આ જ બાબતની ચર્ચા કરવી છે.

બાળકોને કિંડરગાર્ટનમાં (હા, આ ગાર્ટન છે અને ગાર્ડન નથી!) મૂકવા જતાં માતા કે પિતાને તો જોયા જ હશે; કદાચ તમે પોતે પણ ગયા હશો. પહેલાં તો તમારી જાતને પૂછી જુઓ, શું બાળક ખુશ હતું? સામાન્ય રીતે તમારો જવાબ હશે,  "ના."  બાળકની આ નારાજગી માટે જવાબદાર કોણ? આ બાબત તમને મેં કરેલા એક પ્રયોગ દ્વારા સમજાવું. આ પ્રયોગના કારણે મારી દીકરીઓને સ્કૂલે જવાનો રોમાંચ હતો.

મારી પ્રથમ દીકરીને હું દરરોજ કેન્દ્રીય વિદ્યાલયની સવારની સભા બતાવતો. તે બાળકોને એક ગણવેશમાં જોતી અને તેથી પણ વધુ તેમને કસરત કરતાં, માનવ પિરામિડ બનાવતાં અને પ્રાર્થનામાં ડ્રમ વગાડતાં જોતી. તેથી તેને પણ સ્કૂલ જવાની તાલાવેલી થતી. ત્યારે હું કહેતો આમ જ સ્કૂલ ન જવાય. જો પ્રિન્સિપાલને ગમે, તો જ તે તને સ્કૂલમાં આવવા દે. વળી, તેના માટે તારે મોટા પણ થવું પડે. સારો ખોરાક ખાવો પણ પડે, તોફાન પણ મૂકવું પડે. કોઈનાં ચપ્પલ પણ પહેરીને ઘરમાં ચાલવા ના બેસી જવાય(એક-દોઢ વર્ષની વયે તે મહેમાનોના ચપ્પલ પહેરી ને ચાલવા માંડતી.) આમ જ્યારે પણ તેને કાંઈક કરતાં અટકાવવી હોય, ત્યારે હું કહેતો કે તે આમ કરશે તો તેને સ્કૂલે જવા નહીં મળે. પરિણામે તે એ કામ કરતાં અટકી જતી, અને સૌથી મોટો ફાયદો એ થતો કે તેની સ્કૂલમાં જવાની ઇચ્છા વધુ જોર પકડતી. એના માટે સ્કૂલે જવું એ મઝાનું કામ બની ગયું. આ જ પ્રકારનો વ્યવહાર મારી નાની દીકરી સાથે કરતો. પરિણામે મારી બે પૈકીની એક પણ દીકરી પૈકી એક પણ સ્કૂલે જતી વખતે રડી નથી. વળી, સ્કૂલ, કૉલેજના તમામ અભ્યાસ દરમિયાન ક્યારેય તેમને વર્ગમાં હાજરી ભારરૂપ લાગી નથી. હા, એનો અર્થ એ જરા પણ નથી કે તેમણે ક્યારેય વર્ગ છોડીને અન્ય પ્રવૃત્તિ નથી કરી. પણ તે એક મર્યાદામાં વર્ગ છોડીને બીજા કામ કરવાનો આનંદ માણવાનો દરેક વિદ્યાર્થીનો અબાધિત અધિકાર છે.

  સાસરે જઈશને એટલે ખબર પડશે. પારકી મા મળશે ને ત્યારે સુધરશે. દીકરા સાથે અત્યારે જીવી લઉં, પરણીને પછી થોડો માનો રહેવાનો છે? વહુ આવ્યા પછી તેનો ના થઈ જતો, બહેનોને અને માને ભૂલી ન જતો. (પિતાનો ઉલ્લેખ કરતી કોઈ મા કે બહેન વિષે મેં સાંભળ્યું નથી, તેથી અહીં પિતાને ભૂલી ન જતો તેમ લખ્યું નથી. મારા અજ્ઞાનને ક્ષમ્ય ગણશો અથવા સહમત થશો તેવી આશા.) આ અને આવા બીજા ઘણા શબ્દો, દીકરી સાસરે જાય, કે દીકરાની વહુ ગૃહપ્રવેશ કરે તે પહેલાં જ તેમનાં મનમાં ઘૃણાનાં બીજ રોપીને તેમનાં દાંપત્ય જીવનની ઘોર ખોદે છે તે બાબત લેશમાત્ર શંકા નથી. આવા લગ્નનાં બાલમૃત્યુ, કુમળી વયના દામ્પત્યજીવનની હત્યાને સરકાર કે ન્યાયાલય ગુનો નથી ગણતા. એક છત નીચે જીવતી અને આખી જીંદગી મનની અશાંતિને છુપાવીને અસહકારની લડત લડતાં, એકબીજાથી સતત અજાણ બની સાથે રહેતાં દંપતીનાં લગ્નજીવનને સફળ ગણવાનો કુરિવાજ આપણા સમાજમાંથી દૂર કરવા કોઈ દયાનંદ સરસ્વતી હજુ જન્મ્યા નથી; જો હોત તો લગ્નભંગ બાદ પણ એક છત નીચે મીઠું હાસ્ય પહેરીને છેતરનાક દંપતીઓથી સમાજ ઊભરાતો ન હોત. હું જીવનમાં ક્યારેક આવતાં ખટાશભર્યા દિવસોની વાત નથી કરતો એ તો સુજ્ઞજનો (અને તેઓ જ) સમજી જ શકે છે. જો કોઈને ત્યાં મહેમાન બનીને જઈએ કે, મારા જેવા, ભાગ્યે જ સામાજિક મુલાકાતે જતા વ્યક્તિઓ, નજર સાફ રાખીને આસપાસના મિત્રો, સહકર્મીઓ, અને મારા કિસ્સામાં ખાસ તો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના અનુભવો અને લગ્નજીવનની મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરે ત્યારે આ સામાજિક બદીનો ફેલાવો કોરોના કરતાં વધુ વ્યક્તિઓને પોતાના સકંજામાં લઈ ચૂક્યો છે તેની જાણ થાય.