આજની ગોખણપટ્ટી આધારીત શિક્ષણ પદ્ધતિ મૂડીવાદને માફક આવી શકે ખરી? શિક્ષક બાળકને એકડો ઘુંટાવે તે જ ઉંમરે ધર્મ એને માળા કે તસ્બી ફેરવતાં શીખવે છે. શિક્ષક જાણે છે કે એકડો ઘુંટવો એ પ્રેક્ટીસ પુરતું મર્યાદિત છે અને તે જ શિક્ષક બાળકને એકડો લખતાં આવડી જાય ત્યારે “ઘુંટવાની” માયાજાળમાંથી તેને મૂક્ત કરાવે છે. જે ધર્મગુરુ માળા કે તસ્બી ફેરવતાં શીખવે તેને ખબર નથી કે આ પ્રક્રિયા એકધ્યાન થઇને સ્વપ્રગતિ કરવાનુ પ્રથમ સોપાન માત્ર છે. જે બાળક એક જ વર્ષમાં “ઘુંટવાની” માયા છોડી દે છે તે આખી જીંદગી ઇશ્વરના “રટણ”, માળા, તસ્બી અને એવાં તો કાંઇક વળગણ મૃત્યુપર્યંત વફાદારીથી નીભાવે છે. મારી સામે બેસીને દરરોજ કોઇ 108 x 11 વખત મારું નામ બોલે ને મારી પાસે એવી અપેક્ષા રાખે કે આમ કરવા માત્રથી હું તેને મદદ કરું તો મારી હાલત શું થાય ? પહેલી વાત તો એ કે આવી પ્રક્રિયા મને અકળાવી નાંખે, મારામાં એટલી ધીરજ નથી કે દરરોજ મને એક સ્થળે બેસાડીને પછી મારી સામે બેસીને કોઇ મારા નામનો જપ કર્યે રાખે અને મને ગુસ્સો ન આવે. 25 વર્ષનો “માનો બાળક” રોજ માના ખોળામાં સુવાની ટેવ ભૂલ્યો ન હોય તો તે બાળકથી માને કંટાળો ન આવે ? આપણે દરરોજ નિયમસર ક્રિયાકાંડ કરીએ છીએ ત્યારે ઇશ્વર કેટલો અકળાતો હશે ? મને તો લાગે છે કે ઇશ્વર સર્વત્ર છે ખરો પણ જ્યારે તેના નામના જાપ કોઇ કરવા બેસે ત્યારે તો ખાત્રીપૂર્વક તે ત્યાંથી ભાગી છુટતો હશે !!!!!
સ્કુટર, બાઇક, કાર અને કમ્પ્યુટરથી માંડીને સ્ક્રુના નવાં મોડેલ (પહેલાં સ્ક્રુ સીધા ખાંચાવાળો આવતો, કમ્પ્યુટરવાળાઓએ તેને ચોકડીવાળો કર્યો અને હવે ચાઇનીઝ લોકોએ તેને ત્રિકોણ ખાંચાવાળો કર્યો, ખબર નથી આનાથી ફાયદો શું થાય પણ કાંઇક નવું તો ખરું !! ) વગર જે માનવીને ચાલતું નથી તેને વિચારોના નવાં મોડેલ સાથે કેટલો બધો વાંધો હોય છે? આમ કેમ? એકની એક વિચાર શૈલી, એકની એક શિક્ષણ શૈલી, એકની એક જીવન શૈલી, પેઢી દર પેઢી ચાલ્યા કરે તો તેમાં પણ ખાટા અથાણાંની જેમ ફુગાઇ જવાની આગવી લાક્ષણિકતા હોય છે તેનીં નોંધ લેવી ઘટે. નવી પેઢી સાથે નવી વિચાર શૈલી ન આવે તો સમાજને સડી જવાની સો ટકાની ખાત્રી મારા તરફથી આ દિવાળીની ભેટ. આપણી સંસ્કૃતિ શાશ્વત નથી, રામ અને કૃષ્ણ બંન્નેની સંસ્કૃતિ જુદી જુદી છે. શાશ્વત હોય તેને સંસ્કૃતિ નહીં પણ સનાતન મૂલ્ય કહેવાય એ આપણા ધર્મગંથો અને વેદો પોતાને દેશ લઇ જઇને અભ્યાસ કરવાવાળા પશ્ચિમના વિચારકો આવીને આપણને સમજાવશે ત્યારે આપણે ધન્યતાના અનુભવ સાથે તે સ્વીકારીશું. એક આડવાત – સનાતન મૂલ્ય અને સમયની સાથે બદલાતું મૂલ્ય બંને જુદાં છે. આજે એક ગામડું પોતાને સ્વનિર્ભર બનાવવા તમામ જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન પોતાનાં ગામમાં ન કરી શકે, આજે ગાંધીજીએ આપેલું તે સ્વનિર્ભરતાનું સ્વપ્ન તેની પ્રસ્તુતિ ગુમાવતું જાય છે. આજે મારા પોશાક માટેની ખાદી હું બનાવવા જાઉં તો મારા ઘરનો રોટલો ભીખ માંગીને લાવવો પડે !! આજે સમયની કિંમત બદલાઇ છે.
મનને ન ગમે છતાં મારે જેનો સ્વીકાર કરવો પડ્યો હોય તેવી એક વાત એટલે બે શબ્દોના સાચા અર્થનાં અસ્થિ. એક શબ્દ છે “સ્વાર્થ”. સ્વાર્થનો જુનો અર્થ જોઇએ તો જણાય કે સ્વાર્થી થવું એ ગૌરવપ્રદ ઘટના છે. વિદ્યાનો અર્થ સમજીને તેની પ્રાપ્તિની એષણા રાખવા વાળી વ્યક્તિ એટલે વિદ્યાર્થી. એમ “સ્વ” નો અર્થ સમજીને તેની પ્રાપ્તિની એષણા રાખવા વાળી વ્યક્તિ એટલે સ્વાર્થી. હવે વિચારો કે તમે આવા સ્વાર્થીને સારી વ્યક્તિ ગણો કે ખરાબ? સ્વાર્થ નો અર્થ મારા પણ જન્મ પહેલાં બદલાઇ ચુક્યો હતો. મને તો આનો અર્થ બહુ મોડેથી ખબર પડી.